પહેલા કોણ રાજીનામું આપશે તેની લડાઈ
ગુજરાતમા ચેલેન્જની રાજનીતિ હવે વઘુ ગરમ થઈ છે. આજે ગાંધીનગરમાં મોરબીના ધારાસભ્ય અને તેમના સમર્થકો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું છે. પહેલા કોણ રાજીનામું આપશે તેની લડાઈ શરૂ થઈ છે. વિધાનસભામાં પ્રવેશ માટે બંનેમાંથી એક પણ ધારાસભ્યએ પાસ કઢાવ્યો નથી. આ ઉપરાંત અધ્યક્ષને મળવા માટેનો પણ પાસ નથી કઢાવ્યો. કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે વિધાનસભા પાસે ગોપાલ ઈટાલિયાની રાહ જોઈ રહ્યાં છે.
કાંતિ અમૃતિયાનો હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા
મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે વિધાનસભા પાસે શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે. બીજી તરફ ગોપાલ ઈટાલિયા કે જે વિસાવદરના ધારાસભ્ય છે તેઓ ચેલેન્જ સ્વીકાર્યા બાદ પણ દેખાયા નથી. ત્યારે સવાલ એ થાય કે આ ડ્રામાનો ભોગ જનતા બનશે ? લોકોના કામો કરવાની જગ્યાએ ધારાસભ્યો ચેલેન્જની રાજનીતિ કેમ રમી રહ્યાં છે. વિધાનસભા પરિસરમાં કોની મંજૂરીથી કાર્યકરો પ્રવેશ્યા છે. શા માટે આ ધારાસભ્યો જનતાના પૈસાનું પાણી કરી રહ્યાં છે? આવા અનેક પ્રશ્નો થઈ રહ્યાં છે.
બીજી તરફ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓએ આ મુદ્દે મૌન પાળ્યું હતું. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ ચેલેન્જની વિકાસની રાજનીતિ છે. ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલે છે. રાજીનામું આપવા બાબતે સરકાર કાંતિ અમૃતિયાને શિખામણ આપવા અંગે તેઓ મૌન રહ્યાં હતાં. આ ઉપરાંત ગઈ કાલે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પણ કહ્યું હતું કે, રાજકીય પાર્ટીના આગેવાનોએ સાચવીને નિવેદન આપવું જોઈએ.






