ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સિટી પ્લસ સિનેમા સામે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતી GJ-18-EE-7887 નંબરની કારએ લગભગ ચાર લોકોને ઝપેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત ત્રણ લોકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. તેથી, મૃત્યુઆંક હજુ વધુ વધી શકે છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કારચાલક હિતેશ પટેલ નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને મારપીટ કરી હતી. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક કારચાલકની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.









