સુપ્રીમ કોર્ટે 2006ના મુંબઈ સીરિયલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી કોર્ટમાં દાખલ કરી છે.
જણાવી દઈએ કે 21 જુલાઈના રોજ, બોમ્બે હાઈકોર્ટે 2006માં મુંબઈમાં થયેલા ટ્રેન સિરિયલ બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, અને કોર્ટે કહ્યું હતું કે ફરિયાદ પક્ષ, એટલે કે સરકારી વકીલ, આરોપીઓ સામેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સાથે જ હાઈકોર્ટે કહ્યું હતું કે- એ માનવું મુશ્કેલ છે કે આરોપીઓએ ગુનો કર્યો છે, તેથી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. જો તેઓ અન્ય કોઈ કેસમાં વોન્ટેડ ન હોય, તો તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવા જોઈએ.

2015માં ટ્રાયલ કોર્ટે આ કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી તે એહતેશામ સિદ્દીકી સહિત 12 આરોપીઓમાંથી બેને સોમવારે સાંજે બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 11 જુલાઈ 2006ના રોજ મુંબઈની વેસ્ટર્ન સબર્બન ટ્રેનોના સાત કોચમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 189 મુસાફરો માર્યા ગયા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા. બધા વિસ્ફોટ ફર્સ્ટ ક્લાસ કોચમાં થયા હતા. આ ઘટનાના 19 વર્ષ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.










