વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને આપણે હજુ ભુલી નથી શક્યાને ત્યા તો થોડાક જ દિવસો માં ગુજરાતમાં વધું એક બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી છે. જૂનાગઢના માંગરોળના આજક ગામે પણ બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. આ ઘટના બ્રિજના રિપેરિંગ કામ વખતે બની હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઇ ન હતી. જોકે આ ઘટના વખતે બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા હતા.
દુર્ઘટના સમયે પુલના સ્લેબ પર આઠ-દસ લોકો પણ ઉભા હતા, જે સ્લેબ તૂટી પડતાં સીધા નદીમાં ખાબક્યા, પરંતુ સદનસીબે કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ નહીં થઇ. દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે, જેમાં જોવા મળે છે કે પુલનો સ્લેબ તૂટતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોનો આક્ષેપ
ત્યારે હવે સ્થાનિકોનો આક્ષેપ છે કે, સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું હતું. કોઈ સુરક્ષા વ્યવસ્થા નહિ હોવાથી આવા અકસ્માતો સર્જાય છે.આ રસ્તો છે જાહેર રસ્તો, હજારો વાહનો પસાર થાય છે, અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વગર લોકોના જીવ સાથે રમત થઈ રહી છે.
‘પુલ તોડવાની કામગીરી વખતે સ્લેબ તૂટ્યો’
જૂનાગઢ જિલ્લા માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલે જણાવ્યું હતું કે, માંગરોળ નજીક આજક આંત્રોલી વચ્ચે આવેલ પુલ માર્ગ મકાન વિભાગ પંચાયતના અધિકારીઓના નિરીક્ષણ બાદ જર્જરીત જણાવતા તેના સ્લેબને ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બ્રેકર મશીનથી પૂલ પાડવાની આ કામગીરી ચાલતી હતી એ દરમિયાન પુલનો સ્લેપનો એક મોટો ભાગ નીચે પડ્યો હતો.
‘પુલ તૂટ્યો નથી, તોડવામાં આવ્યો’
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, જિલ્લામાં લોકોની સલામતી માટે જર્જરીત જણાતા હોય તેવા પુલોનું ઇન્સ્પેક્શન કરીને જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. હકીકતમાં આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે.
બ્રિજ તોડવાનો જ હતો : ધારાસભ્ય
આ મામલે ધારાસભ્યનું દેવા માલમનું કહેવું છે કે આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેને તોડવાનો જ હતો. જોકે તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તે તૂટી પડ્યું. આ દરમિયાન બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા. જોકે કોઇ જાનહાનિ થઈ નહોતી. લોકોને ઘટનાસ્થળે હાજર લોકોએ જ બચાવી લીધા હતા.






