અમદાવાદના સાણંદ નજીક એક ખાનગી વિલામાં શનિવારે રાત્રે ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસ દારા રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કલહાર બ્લુ એન્ડ ગ્રીન રેસિડેન્શિયલ એન્ક્લેવના વિલા નંબર 358 પરથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લામાં ગેરકાયદેસર દારૂ અને જુગાર પ્રવૃત્તિઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે આ રેડ પાડવામાં આવી હતી. સાણંદ પોલીસ છેલ્લા કેટલાક સમયથી વિસ્તારના વીકેન્ડ વિલા, ફાર્મહાઉસ અને ક્લબહાઉસ પર નજર રાખી રહી હતી, જ્યાં ગેરકાયદેસર મેળાવડા થતા હોવાના અહેવાલો હતા. વિલામાં ચાલી રહેલી પાર્ટી અંગે ચોક્કસ બાતમી મળ્યા બાદ પોલીસ ટીમે રેડ પાડીને પાર્ટી કરી રહેલા લોકોને ઝડપી પાડ્યા હતા.
તો, પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ ગુજરાતના દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન કરીને દારૂનું સેવન કરતા ઝડપાયા હતા. સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એક કાચની બોટલ અને 11 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. સાણંદ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






