છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય સેવાઓની કથળતી સ્થિતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભૂંડમારિયા ગામની એક પ્રસૂતા મહિલાને જીવના જોખમે ઝોળીમાં ઉંચકીને સારવાર માટે લઈ ગયા હતા. ગામથી આશરે 4 કિલોમીટર દૂર આવેલા કોટબી સુધી પહોંચવા માટે, ગ્રામજનોએ મહિલાને કાદવ-કિચડવાળા રસ્તાઓ, કોતરો અને ઝરણાં પાર કરીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી.
છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામની એક મહિલાને આજે વહેલી સવાર પ્રસૂતિની પીડા ઉપડી હતી.પરંતુ ગામમાં રસ્તાનો અભાવ હોવાથી 108 આવી શકે તેમ ન હોવાથી 108 ને ફોન કરીને ચાર કિલોમીટર દૂર કોટબી બોલાવવામાં આવી હતી.
ત્યારે બીજી બાજુ પ્રસૂતા મહિલાના પરિવારજનો કાપડની ઝોળી બનાવીને મહિલાને ઝોળીમાં સુવડાવી ઉંચકીને ચાલતા કોટબી સુધી જવા નીકળ્યા, રસ્તામાં કાચો, કાદવ કીચ્ચડથી ભરપૂર અને કોટરના પાણી, ઝરણા પસાર કરીને આખરે કોટબી ઊભી રહેલી 108 સુધી પહોંચ્યા હતા અને મહિલાને 108 માં કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.






