સુરતના કતારગામમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાતના મામલે કતારગામના ડભોલી વિસ્તારમાં વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બે કિમી લાંબી કેન્ડલ માર્ચમાં 10 હજાર લોકો જોડાયા હતા. સુરતના ડભોલી ચાર રસ્તાથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ પાટીદાર સમાજની વાડી સુધી અંદાજે બે કિલોમીટર લાંબી યોજાઈ હતી.
આ કેન્ડલ માર્ચમાં પાટીદાર અગ્રણીઓ જેવા કે અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, રાજકીય નેતાઓ પણ આ માર્ચમાં જોડાયા હતા, જેમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા.
આ કેન્ડલ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત, સમાજમાં જાગૃતિ લાવવાનો અને ભવિષ્યમાં કોઈપણ સમાજની દીકરી સાથે આવા પ્રકારનું કૃત્ય ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ ઘટનાને લઈને સમગ્ર સુરતમાં શોક અને રોષની લાગણી પ્રવર્તી રહી છે.






