રાજ્યમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં થયેલી વીજ ચોરીના આંકડા ચોકાવનારા છે. છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગ દરમિયાન 2,82,164 ગ્રાહકોએ વીજ ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું હતું અને પૈકીના 1,52,602 ગ્રાહકોએ વીજ ચોરીની રૂ. 1029 કરોડની રકમ ન ચૂકવતા તેમની સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
વીજ ચોરી કરતા શખ્સો સામે જીયુવીએનએલના 16 પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરી ઇન્ડિયન ઈલેક્ટ્રીસિટી એક્ટ 2003ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે અને તેમાં દંડ અને ત્રણ વર્ષની સજાની જોગવાઈ હોવા છતાં લોકોમાં વીજ ચોરીનો કોઈ ડર ન હોય તે રીતે બે વર્ષમાં લાખોની સંખ્યામાં લોકો વીજ ચોરી કરતા ઝડપાયા હતા.
રાજ્યમાં વીજ ચોરી કરનારા શખ્સો એટલા બેખૌફ હોય છે કે, તેઓ ચેકિંગ માટે પોલીસ કાફલા સાથે આવેલી ટીમ પર પથ્થરમારો તેમજ હુમલો કરતા સહેજ પણ ગભરાતા નથી. છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગમાં ગયેલા સ્ટાફ પર હુમલાના 61 બનાવો બન્યા હતા અને તે અંગે જે તે શહેરના પોલીસ સ્ટેશનમાં અલગથી ફરિયાદો નોંધાવવામાં આવી છે. વીજ ચોરીના બનાવની વાત કરીએ તો ચોરીના સૌથી વધુ બનાવ પીજીવીસીએલ (સૌરાષ્ટ્ર)ની હદમાં નોંધાયા છે.
- વર્ષ 2023-24માં રાજ્યમાં કુલ 19,67,024 વીજ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા.
- તે માંથી 1,50,920 કનેકશન પર વીજ ચોરી થયેલી પકડાઈ હતી.
- વર્ષ 2024-25માં 18,92,777 વીજ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા.
- જેમાં 1,31,244 ગ્રાહકોએ વીજ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું.
- કુલ 2,82,164 ગ્રાહકોને દંડ અને ચુકવણી માટે કહેવામાં આવ્યું હતું.
- તેમાટે 1,52,602 ગ્રાહકોએ રૂ. 1,029 કરોડની વીજ ચોરીની રકમ ચૂકવણી કરી ન હતી.









