લંડન સ્થિત ક્વાક્વેરેલી સાયમન્ડ્સ દ્વારા મંગળવારે (15 જુલાઈ) વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વિશ્વના શ્રેષ્ઠ 150 શહેરોની ‘ક્યૂએસ બેસ્ટ સ્ટૂડન્ટ્સ સિરીઝ રેન્કિંગ-2026’ નામની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં દક્ષિણ કોરિયાના સિઓલ શહેરે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે તેમાં ભારતના ચાર શહેરો દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈનો સમાવેશ કરાયો છે. તેમાં મુંબઈને 98 રેન્ક, દિલ્હીને 104, બેંગલુરુને 108 અને ચેન્નાઈને 128 રેન્ક અપાયો છે.
દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શ્રેષ્ઠ શહેરોની રેન્કિંગમાં સ્થાન મેળવી પોતાની શ્રેષ્ઠ શિક્ષણ સ્થિતિ સાબીત કરી છે. આ દર્શાવે છે કે, ભારતમાં શિક્ષણ ગુણત્તામાં શ્રેષ્ઠ સુધારો થયો છે. મુંબઈએ 15 રેન્કનો જંપ મેળવી 98માં સ્થાને પહોંચી ગયું છે. જ્યારે દિલ્હીની રેન્કિંગમાં સાત પોઈન્ટનો અને બેંગલુરુની રેન્કિંગમાં 22 પોઈન્ટનો અને ચેન્નાઈની રેન્કિંગમાં 128 પોઈન્ટનો સુધારો થયો છે.
ચારેય રાજ્યોમાં ‘એમ્પ્લોયર એક્ટિવિટી કેટેગરી’માં પણ સુધારો થયો છે. સૌથી વધુ નોકરી આપવાની યાદીમાં દિલ્હી અને મુંબઈ ટોપ-50માં સામેલ થઈ ગયું છે, જે ગ્રેજ્યુએટો માટે રોજગારની મજબૂત સંભાવના દર્શાવી રહી છે. આ મામલે બેંગલુરુ પહેલા 100માં ક્રમાંકે હતું, જોકે હવે તે 59માં ક્રમાંકે પહોંચી ગયું છે. જ્યારે ચેન્નાઈના રેન્કિંગમાં 29 પોઈન્ટનો સુધારો થયો છે.
અભ્યાસ માટે વિશ્વના ટોપ-15 શહેરોની યાદી
સિઓલ, દક્ષિણ કોરિયા
ટોક્યો, જાપાન
લંડન, યુનાઇટેડ કિંગડમ
મ્યુનિક, જર્મની
મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા
સિડની, ઓસ્ટ્રેલિયા
બર્લિન, જર્મની
પેરિસ, ફ્રાન્સ
ઝુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ
વિયેના, ઑસ્ટ્રિયા
સિંગાપોર
કુઆલાલંપુર, મલેશિયા
બેઇજિંગ, ચીન
તાઇપેઈ, તાઇવાન
બોસ્ટન, યુનાઇટેડ સ્ટેટ્સ






