પહેલગામમાં 26 લોકોની હત્યા કર્યા પછી, આતંકવાદીઓએ સ્થળ પર જ ઉજવણી કરી. તેમણે ઉજવણીમાં હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસમાં આ વાત સામે આવી છે. 3 આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો. ઘટના પછી તરત જ એક સ્થાનિક વ્યક્તિએ આતંકવાદીઓને હવામાં ગોળીબાર કરતા જોયા. આ વ્યક્તિ હવે NIA માટે એક મહત્વપૂર્ણ સાક્ષી બની ગયો છે.
સાક્ષીએ જણાવ્યું કે ઘટના પછી, જ્યારે તે બૈસરનથી પરત ફરી રહ્યો હતો, ત્યારે આતંકવાદીઓએ તેને રોક્યો અને હવામાં લગભગ ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો.

હુમલા સમયે, બે સ્થાનિક લોકો, પરવેઝ અહમદ જોથર અને બશીર અહમદ, બૈસરનમાં આતંકવાદીઓના સામાનની રક્ષા કરી રહ્યા હતા. ગયા મહિને NIA દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનના હતા અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.
આ હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર કમાન્ડર હાશિમ મુસા ઉર્ફે સુલેમાન હોવાનું કહેવાય છે. જે અગાઉ કાશ્મીરમાં ઘણા મોટા હુમલાઓમાં સામેલ રહી ચૂક્યો છે. સુલેમાન પર સોનમાર્ગમાં ઝેડ-મોડ સુરંગમાં 7 કામદારોની હત્યા કરવાનો પણ આરોપ છે.






